શાંતિમંત્રણા માટે આતંકી યાસીન મલિક આતંકી હાફિઝ સઈદને મળ્યો હતો

Wednesday 24th September 2025 06:08 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રમાં જ્યારે UPA સત્તા પર હતી અને મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ત્યારે આતંકી હાફિઝ સઈદ અને યાસીન મલિક વચ્ચે ખાનગીમાં મુલાકાત થઈ હતી. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકી યાસીન મલિક દ્વારા બંને વચ્ચે મુલાકાત ગોઠવાઈ હતી, જે પાકિસ્તાન સાથે પાછલા બારણે ચાલનારી શાંતિમંત્રણાના ભાગરૂપે હતી. મનમોહનસિંહે આ મુલાકાત માટે યાસીન મલિકનો આભાર માન્યો હતો. યાસીન મલિકે દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં પૂર્વ પીએમ મનમોહનસિંહનો ઉલ્લેખ કર્યો હતો. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે શાંતિમંત્રણા યોજવામાં આવી હોવાનો ભાંડો ફોડ્યો હતો. યાસીન હાલ ટેરર ફન્ડિંગ કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. મલિકે 25 એપ્રિલે એફિડેવિટ કરી હતી, જેમાં 2006માં લશ્કર-એ-તોઇબાના પ્રમુખ હાફિઝ સઈદ સાથે તેની મુલાકાતનો ઉલ્લેખ કરાયો હતો. તે વખતે પાક. સાથે બેકડોર મંત્રણા યોજાઈ હતી. IB અધિકારીઓના કહેવાથી આ મુલાકાત યોજાઈ હતી. યાસીને એફિડેવિટમાં દાવો કર્યો હતો કે 2006માં IBના કહેવાથી તે હાફિઝ સઈદને મળ્યો હતો. 2006માં પાક.માં લશ્કર એ તોઇબાના આકા તેમજ 26/11ના હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ સાથેની મુલાકાત તેણે જાતે ગોઠવી નહોતી પણ IBના કહેવાથી ગોઠવાઈ હતી.
RSS-શંકરાચાર્યો સાથે મુલાકાતનો દાવો
દિલ્હીની તિહાર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિકે તાજેતરમાં કરેલા સોગંદનામામાં પોતાના કહેવાતા રાજકીય, ધાર્મિક અને સુરક્ષા એજન્સીઓ સાથેના જોડાણની વિગતવાર માહિતી આપી છે. જે મુજબે તેણે પૂર્વ વડાપ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, આરએસએસ અને 2 મઠના શંકરાચાર્યો સાથે મુલાકાત કરી હતી.


comments powered by Disqus