3 વર્ષથી દુબઈ છુપાયેલા આરોપીની પ્રત્યાર્પણ સંધિથી ધરપકડ કરાઈ

Wednesday 25th June 2025 06:09 EDT
 
 

અમદાવાદઃ સુરતમાં વર્ષ 2022માં ચોરી થયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવી રૂ. 3.66 કરોડની છેતરપિંડી આચરનારા મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની ત્રણ વર્ષ દુબઈમાં છુપાયા બાદ આખરે ધરપકડ કરાઈ છે. પ્રત્યાર્પણ સંધિના આધારે ઇન્ટરપોલ દ્વારા તેને દુબઈથી ઝડપી પાડી કાર્યવાહી કરીને સુરત લવાયો છે. આ ગુના હેઠળ અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
વેપારી પાસે કરાવ્યું રોકાણ
વર્ષ 2019-20 દરમિયાન ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈને જ્ઞાનચંદ બજરંગલાલ જૈનને ભવિષ્યમાં ખૂબ લાભ અને નફો થશે તેવી છેતરામણી વાતો કરી સસ્તામાં મિલકતો ખરીદવા માટે લલચાવ્યો હતો. જ્ઞાનચંદે ઉપવન ઉર્ફે બંટી જૈન પર વિશ્વાસ રાખીને આરોપીએ જણાવેલી સુરત શહેરમાં આવેલી અલગ અલગ કુલ ચાર મિલકતો ખરીદી હતી. આ મિલકતોના અવેજ પેટે કુલ રૂ. 3.66 કરોડથી વધુ આરોપીએ મિલકતના મૂળ માલિકના નામના ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે વિવિધ બેન્કોનાં નકલી એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. આ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા બાદ આરોપી ઉપવન ઉર્ફે બંટી જૈન અને તેના સાગરીતોએ નાણાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને સગેવગે કરી લીધા હતા.


comments powered by Disqus