નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ વિમાન ક્રેશ થવા પાછળ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. હાલ આ વિમાન ક્રેશ થતા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. એવામાં તપાસકર્તાઓને એવી પણ શંકા છે કે શું આ વિમાને તેની ક્ષમતા કરતા વધુ વજન સાથે ઉડાન ભરી હતી? ભારત, અમેરિકા, બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો તેમજ બોઇંગ કંપનીના અધિકારીઓ મળીને આ તપાસ કરી રહ્યા છે. જેમાં તમામ એંગલને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.
ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને પૂર્વ પાઇલટ અમિતસિંહે કહ્યું કે, અકસ્માત બાદ ફ્લાઇટના ડેટા, કોકપિટ વોઇસ રેકોર્ડર્સ કે બ્લેક બોક્સ આ સમગ્ર ઘટના પાછળનાં કારણો તપાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ બંને ઇક્વિપમેન્ટના ડેટા તમામ માહિતી બહાર લાવશે. તપાસ ટીમ પાઇલટને અપાયેલી તાલીમના રેકોર્ડની પણ તપાસ કરશે. આ ઉપરાંત વિમાનમાં ઉડાન સમયે મુસાફરો અને સામાન સહિત કેટલો વજન હતો વગેરેની પણ તપાસ કરાશે.
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના પૂર્વ ડાયરેક્ટર અરવિંદ હાંડાએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે માનક નક્કી કરાયા છે તેને ધ્યાનમાં રાખી ટીમ તપાસ કરી રહી છે. જોકે આ તપાસમાં વધુ સમય લાગી શકે છે કેમ કે વિમાન સંપૂર્ણપણે ખાખ થઇ ગયું હતું. જે બ્લેકબોક્સ મળી આવ્યું છે તે યોગ્ય સ્થિતિમાં છે કે કેમ તે પણ મહત્ત્વનું છે, કેમ કે ક્રેશ સમયે જે ઊંચાઇ પર તાપમાન પહોંચે છે તે બ્લેકબોક્સની સહન કરવાની ક્ષમતા કરતા પણ વધુ હોઇ શકે છે. કમર્શિયલ એરલાઇનના પાયલોટ સ્ટીવ સચરીબરે કહ્યું હતું કે નવો એચડી ક્વોલિટી વીડિયો ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જેને જોતા એવુ લાગી રહ્યું છે કે વિમાનના બંનેે એન્જિન ફેલ થઇ ગયા હોવાથી ક્રેશ થયું હોઇ શકે છે. આ ઉપરાંત એક સાથે તમામ ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા, હાઇડ્રોલિક નિષ્ફળતા અને ડ્યુુઅલ એન્જિન નિષ્ફળતા પણ જવાબદાર હોઇ શકે છે.
બ્લેક બોક્સની તપાસ અહીં જ થશે
12 જૂને અમદાવાદમાં ક્રેશ એર ઇન્ડિયાના પ્લેનનું બ્લેક બોક્સ કબજે કરી લેવાયું હતું. થોડા સમય પહેલાં આ બ્લેકબોક્સને તપાસ માટે અમેરિકા મોકલવાનું નક્કી કરાયું હતું. જો કે હવે તેની અહીં જ તપાસ કરવાનું નક્કી કરાયું છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનના બ્લેક બોક્સને પણ નુકસાન પહોંચ્યું છે, જેથી તેનો ડેટા રિકવર કરવો મુશ્કેલ બન્યો છે. ભારતીય ટીમ પણ બ્લેક બૉક્સની તપાસ દરમિયાન તમામ પ્રોટોકોલના પાલન પર દેખરેખ રાખશે.

