ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ 1713 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. મશહદથી વધુ એક વિમાન રવિવારે રાત્રે 11:30 વાગ્યે 285 નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચ્યું હતું. અગાઉ 21 જૂને 600 ભારતીયો, 20 જૂને 407 અને 19 જૂને 110 ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા. ઈરાનથી દિલ્હી પહોંચેલા આ મુસાફરોએ એરપોર્ટ પર 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, તો કેટલાકે જમીન પર માથું નમાવ્યું હતું. બીજી તરફ રવિવારે ઇઝરાયલથી 160 ભારતીયોના એક જૂથને બહાર કઢાયું હતું અને જોર્ડન પહોંચ્યા બાદ દિલ્હી રવાના થયું હતું. ઇઝરાયલમાં લગભગ 40 હજાર ભારતીયો છે.