ખેડૂતો માટે મેઘમહેર શહેરોમાં બની કહેર

Wednesday 25th June 2025 06:09 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં 15 જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર નવ દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ સિઝનનો 21 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર પણ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદમાં તરબોળ બન્યું છે. સોમવારના વરસાદના પગલે જામનગરમાં નદીઓ વહેતી થઈ, જેના કારણે લાખો લોકોની તરસ છીપાવતો જામનગરનો રણજિતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે અમરેલી જિલ્લાની આખું વર્ષ સૂકી રહેતી સ્થાનિક નદીઓ બેકાંઠે વહેતાં અનેક ગામોના સંપર્ક તૂટ્યા હતા. ભારે વરસાદના પગલે ગિરનાર પર્વત પરથી ઝરણાં વહેતાં થતાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું.
રવિવારે ધીમી ધારે જૂનાગઢ સહિત સોરઠમાં રવિવાર એક થી 4 ઇંચથી વધુ વરસાદ વરસતાં લોકો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જૂનાગઢમાં 23 જૂન સાંજ સુધીના આંકડા પ્રમાણે સુત્રાપાડામાં સૌથી વધુ 171 મિ.મી., તાલાલામાં 169 મિ.મી., વેરાવળ-પાટણમાં 165 મિ.મી., કોડિનારમાં 135 મિ.મી., ઉનામાં 129 મિ.મી. અને ગીરગઢડામાં 103 મિ.મી. વરસાદ પડ્યો છે.
કચ્છ
નખત્રાણા તથા મુંદ્રામાં સોમવારે હળવો વરસાદ પડ્યો હતો, તથા રાપર, ભચાઉ, માંડવી, ગાંધીધામમાં ઝરમર છાંટા પડ્યા હતા. મુંદ્રાના ગુંદાલામાં સવારથી બપોર સુધી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપરમાં 3 મિ.મી., ભચાઉમાં 4 મિ.મી., માંડવીમાં 3 મિ.મી., મુંદ્રામાં 23 મિ.મી. તથા ગાંધીધામાં 9 મિ.મી. વરસાદ પડ્યો હતો. મુંદ્રા શહેર અને તાલુકામાં સોમવાર રાત્રે દોઢથી બે ઇંચ વરસાદ પડતાં કારાઘોઘા ડેમ સોમવારે વહેલી સવારે ઓંગણી ગયો હતો.
ઉત્તર ગુજરાત
રવિવારથી સાર્વત્રિક વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 7 ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. વડાલી-ખેડબ્રહ્મામાં 8 કલાકમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ઈડરની ગૌઉંવા નદીમાં નવા નીર આવ્યાં હતાં. દાંતામાં શનિવાર 9 ઇંચ વરસાદ ખાબકતાં આંબાઘાટની ભેખડો ધસી પડી હતી. ભારે વરસાદથી મુમનવાસ પાસે પાણીયારી ધોધ પણ જીવંત થયો હતો. મહેસાણામાં દોઢ અને ઊંઝામાં અડધા ઇંચ વરસાદથી બજારમાં નદીની જેમ પાણી વહ્યાં હતાં.
દક્ષિણ ગુજરાત
ભરૂચમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. પાણીમાં અનેક વાહનો બંધ થતાં વરસાદ બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો. વલસાડના વાઘવળ ગામનો શંકર ધોધ સક્રિય થયો છે, તો વલસાડના મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલી પાણી છોડાતાં દમણગંગા નદી-2 ભયજનક સ્થિતિ નજીક વહી હતી. પંચમહાલના મોરવા (હડફ)ના હડફ જળાશયમાં પાણીની સપાટી વધી હતી. ભારજ નદીમાં પૂર આવતાં ડાઇવર્ઝનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. તાપી જિલ્લાના સોનગઢના જંગલ વિસ્તારમાં આવેલો ધોધ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં હતાં.
મધ્ય ગુજરાત
ખંભાતમાં સોમવારે 4 ઈંચથી વધુ વરસાદ પડતાં 100થી વધુ જૂનાં મકાનો ધરાશાયી થયાં છે. આ વરસાદમાં ખંભાત રેલવે સ્ટેશન, શાસ્ત્રીનગર અને માછીપુર પાસે પાણી ભરાતાં સ્થાનિકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં મંગળવારે સવારથી સાર્વત્રિક વરસાદ પડતાં શહેરના મુખ્ય માર્ગો, પ્રાથમિક શાળાઓ, દુકાનોમાં પાણી ઘૂસી જતાં નુકસાન થયું છે.


comments powered by Disqus