જૂનાગઢઃ વરસાદની પ્રાર્થના, સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ શનિવારે ભવનાથથી દૂધધારા પરિક્રમાનો આરંભ કર્યો હતો. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દરવર્ષની જેમ દૂધધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં 200થી વધુ ભાવિકો જોડાયા હતા, જેમણે 36 કિલોમીટરના માર્ગ પર 150 લિટર દૂધનો અભિષેક કર્યો હતો.
આ પરિક્રમામાં ગિરનાર જંગલના અંદાજે 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર ગિરનારની આસપાસ દૂધની અખંડ ધારા વહેતી રખાય છે. પાત્રથી સતત દૂધ વહેતું રહે એ રીતે અનોખી આધ્યાત્મિક વિધિ યોગિની એકાદશીએ થાય છે. પરંપરા મુજબ ભક્તો દૂધપાત્ર સાથે પરિક્રમા કરતા જાય છે અને રૂટ પર દૂધ અર્પણ કરે છે.
આ દીર્ઘકાલીન પરંપરા 65 વર્ષથી ઉત્સાહ અને શ્રદ્ધાથી જીવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના મહામંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું કે, દૂધધારા પરિક્રમાનો મૂળ ઉદ્દેશ રાષ્ટ્રમાં સારો વરસાદ પડે, શાંતિ અને સમૃદ્ધિ રહે અને ગિરનારી મહારાજની અનુકંપા સમસ્ત નાગરિકો પર બની રહે એ છે.