જામનગરઃ અમદાવાદથી 12જૂને બપોરે એરઇન્ડિયાનું લંડન જવા નીકળેલું પ્લેન ગણતરીની મિનિટોમાં જ તૂટી પડ્યું હતું, જેમાં તેમાં સવાર અન્ય મુસાફરોની સાથે જામનગરના એનઆરઆઇ દંપતીનું પણ મૃત્યું નીપજ્યું હતું.
પરિવારના ડીએનએ મેચ થતાં આ દંપતીના મૉતદેહ જામનગર લાવી અંતિમ યાત્રા નીકળી હતી. જામનગરના પંચવટીમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી લંડન રહેતાં પુત્રી નેહલબહેન અને જમાઈ શૈલેશભાઈ પરમાર જામનગર આવ્યાં હતાં અને ગત 12જૂને જામનગરથી અમદાવાદ નીકળ્યાં હતાં, જ્યાંથી તેમની બપોરે દોઢ વાગ્યાની ફ્લાઇટ હતી. જો કે કમનસીબે આ વિમાન ક્રેશ થયું હતું, જેમાં તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
શૈલેશભાઈ અને નેહલબહેનના મૃતદેહ સાથે તેમના સંબંધીના ડીએનએ મેચ થઈ જતાં દંપતીના મૃતદેહનો કબજો સોંપાયો હતો, જેમની અંતિમયાત્રા નીકળતાં સગાં-સંબંધીની આંખો ભીની થઈ હતી. અંતિમ યાત્રા સમયે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ અને શહેર ભાજપ અધ્યક્ષ બિનાબહેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.