તાલાલાના યુવકે વિદેશીઓને લગાવ્યો કેસર કેરીનો ચટકોઃ 100 ટન કેરી એક્સપોર્ટ કરી

Wednesday 25th June 2025 06:09 EDT
 
 

જૂનાગઢઃ ગુજરાતની કેસર અને આફૂસ કેરીએ વિદેશમાં રંગ જમાવ્યો છે. તાલાલાના એક યુવા ઉદ્યોગ સાહસિક ચેતન મેંદપરાએ ચાલુ વર્ષે 5 દેશમાં 100 ટન કેરી એક્સપોર્ટ કરી છે. તેમનું કહેવું છે કે, વિદેશોમાં કેસર,ે આફૂસ કેરીની માગ વધી છે.
કેસર કેરીને વિશ્વસ્તરે પહોંચાડીશ
તાલાલાના જશાપુર ગામના ખેડૂત પુત્ર ચેતન મેંદપરાએ ગુજરાતની કેસર કેરીને વિશ્વસ્તરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. B.Sc એગ્રિ સ્નાતક ચેતને ‘ધ મેંગો માર્ટ’ નામે કંપની શરૂ કરી છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં ગલ્ફ દેશોમાં કેરી એક્સપોર્ટની શરૂઆત કરી હતી. ચેતને યુરોપિયન દેશોમાં કેરી એક્સપોર્ટ માટે ઊંચા ક્વોલિટી માપદંડ પૂરા કરવા માટે નવી મુંબઈમાં રેડિએશન પ્રોસેસિંગની સુવિધા ઊભી કરી. 3 કિલોના બોક્સમાં 12 કેરી પેક કરી મુંબઈ,ે અમદાવાદથી એરકાર્ગોથી નિકાસ કરાઈ.
કયા દેશોમાં કેરીની કેટલી નિકાસ?
ચેતને ચાલુ વર્ષે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની અને આફ્રિકામાં કુલ 100 ટન કેરીની નિકાસ કરી છે. અમેરિકામાં 10 હજાર બોક્સ, લંડનમાં 8 હજાર બોક્સ, કેનેડામાં 8 હજાર બોક્સ, ઓસ્ટ્રેલિયામાં 4200 બોક્સ, જર્મનીમાં 1 હજાર બોક્સ, આફ્રિકામાં 800 બોક્સની નિકાસ થઈ છે.
કેરીના ભાવ દેશ પ્રમાણે અલગ-અલગ
વિદેશી બજારોમાં કેરીના ભાવ દેશ પ્રમાણે અલગ-અલગ છે. અમેરિકામાં 25-30 ડોલર, યુકેમાં 15-16 પાઉન્ડ, કેનેડામાં 30-35 કેનેડિયન ડોલર, ઓસ્ટ્રેલિયામાં 40-45 ડોલર, જર્મનીમાં 20-22 યુરો, આફ્રિકામાં 25-30 ડોલરના ભાવે કેરી વેચાય છે. ઉલ્લેખનીય છે કે, કેસર અને આફૂસ કેરીના ભાવમાં માત્ર બે યુરોનો ફેર રહે છે.
ખેડૂતો પાસેથી સારી ક્વોલિટીની ખરીદી
ચેતન મેંદપરાએ જણાવ્યું કે, અમારું પોતાનું ફાર્મ છે. જો કે એ સિવાય પણ અમે ગીર, કચ્છ અને વલસાડ સાથે રત્નાગિરિના ખેડૂતોને મળી સારી ક્વોલિટીની કેરી ખરીદીએ છીએ. જેને નવી મુંબઈ અને અમદાવાદ ખાતે પ્રોસેસિંગ પ્લાન્ટમાં લઈ જઈ પ્રોસેસ કરાવી એક્સપોર્ટ કરવામાં આવે છે.
માવઠાના કારણે ગુણવત્તામાં ઘટાડો
ચેતને જણાવ્યું કે, જો અમેરિકા કેરી મોકલવી હોય તો મુંબઈ પ્રોસેસિંગ પ્લાન્ટથી અને ઓસ્ટ્રેલિયા કેરી મોકલવી હોય તો બાવળા પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેરીને પ્રોસેસ કરાય છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી નિકાસ થઈ છે, કારણ કે માવઠાના કારણે ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે.
વરસાદ-સોનમાખીની ખરાબ અસર
આ વર્ષે કેસર કેરીના પાકને પ્રથમ પ્રતિકૂળ વાતાવરણ, પછી વરસાદ અને સોનમાખીની ગંભીર અસર નડી છેસ કેસર કેરી નિરસ બની ગઈ અને કેસરના ચાહકોને તેનો પૂર્ણ સ્વાદ માણવા મળ્યો નથી.


comments powered by Disqus