પ્લેનક્રેશ બાદ સુરતના કરોડો રૂપિયાના 151 ફ્લેટ ખાલી કરાવાશે

Wednesday 25th June 2025 06:08 EDT
 
 

સુરતઃ કોર્પોરેશને પાલના કાસા રિવેરા, વેસુના KPM, સેલેસ્ટીયલ ડ્રીમ્સના રૂ. 2.5 કરોડથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપ્યું હતું, જેના આધારે કોર્પોરેશને વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા બાદ એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો, જેના આધારે કોર્પોરેશને કાસા રિવેરા, કેપીએમ ટેરાપ્રાઇમ અને સેલેસ્ટીયલ ડ્રીમ્સની બીયુ પરવાનગી આપી નહોતી.
છેલ્લાં 2થી 3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ પરમિશન અપાઈ નહોતી, છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો રહેવા પણ આવી ગયા છે. હવે કોર્પોરેશને 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપતાં બિલ્ડરો અને મકાનમાલિકો દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજનાં કનેક્શન પણ કાપી નાખવાની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગ જે એરપોર્ટને નડતરરૂપ છે
અને હાઇકોર્ટમાં ગઈ નહોતી તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


comments powered by Disqus