નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થવાની છે. ભારત ઇચ્છે છે કે અમેરિકા ખાતરી આપે કે, ટ્રમ્પ વહીવટી તંત્ર કોઈ નવો ટેક્સ લાગુ નહીં કરે. સૂત્રો મુજબ ટ્રેડ ડીલની ચર્ચા અંતિમ તબક્કામાં છે અને બંને દેશને ટૂંક સમયમાં કરાર થવાની આશા છે. ભારત ચામડું અને ફેબ્રિક જેવાં ક્ષેત્રો માટે છૂટ ઇચ્છે છે.
એક વ્યક્તિએ કહ્યું કે, ભારત ઇચ્છે છે કે સમજૂતી થયા પછી ટેરિફાં સ્થિર રહે. સામાન્ય રીતે વેપાર સમજૂતીઓમાં ફરીથી વાતચીત કરવા કે ટેક્સ વધારવા સામે વળતર આપવાનો નિયમ હોય છે. ભારત ઇચ્છે છે કે આ સમજૂતીમાં પણ એવો જ નિયમ હોય. તેનાથી એ સુનિશ્ચિત થશે કે સમજૂતી ભવિષ્યમાં થનારા ફેરફારોથી સુરક્ષિત રહે. અમેરિકાના રાષ્ટ્રપતિએ 2 એપ્રિલે ભારતથી આવતી વસ્તુઓ પર 26 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેક્સ 90 દિવસ માટે એટલે કે 9 જુલાઈ સુધી અટકાવી દેવાયો હતો, પરંતુ 10 ટકાનો બેઝલાઈન ટેક્સ હજુ પણ લાગે છે. ભારત અને અમેરિકા 9 જુલાઈની સમયમર્યાદા પહેલાં વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપી દેવા માગે છે.