રાજકોટઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં 'લોન સર્વાઇવર' તરીકે જાણીતા વિશ્વાસ રમેશે બચી ગયાનો અફસોસ થતો હોય તેવી વેદના વ્યક્ત કરી હતી, કારણ કે તેમની સાથે જ પ્લેનમાં મુસાફરી કરતા સગા ભાઈ અજયે જીવ ગુમાવ્યો હતો. વતન દીવમાં ભાઈની અર્થીને કાંધ આપતાં વિશ્વાસ રમેશનું હૈયાફાટ રુદન કોઈને પણ હચમચાવી દે તેવું હતું. સગા નાનાભાઈને કાંધ આપતી વખતે વિશ્વાસ ‘પોતે કેમ આ દુર્ઘટનામાં બચી ગયો, મરી કેમ ના ગયો’ કહીને રડી પડ્યો હતો.
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વિશ્વાસ રમેશ હોસ્પિટલથી રજા બાદ માતા પાસે દીવ પહોંચતા જ તે ચોધાર અશ્રુએ રડ્યા હતા. કેમ કે તેનો નાનો ભાઈ અજય પ્લેનમાં સીટ નંબર 11-જે પર બેઠો હતો. બંને ભાઈ લંડન જતા હતા ત્યારે ટેકઓફ બાદ પ્લેન ક્રેશ થતાં અજયનું મોત થયું હતું. વિશ્વાસ રમેશે રડતાં રડતાં કહ્યું કે, હું બચ્યો ન હોત તો સારું હતું. મારે પણ મરી જવું જોઈતું હતું. વિશ્વાસનો કલ્પાંત જોઈ અંતિમયાત્રામાં સામેલ સૌકોઈની આંખમાં આંસુ આવી ગયાં હતાં.