નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની ઊર્જા, સક્રિયતા અને સંવાદની ઇચ્છાશક્તિ ભારતનું મુખ્ય બળ છે. શશિ થરુરનું આ નિવેદન જો કે તેમના પક્ષ કોંગ્રેસની લાઇનથી અલગ છે. કોંગ્રેસ મોદી સરકારની વિદેશનીતિની આલોચના કરતી આવી છે, એવામાં તેના સાંસદ શશિ થરુરનો એક લેખ પ્રકાશિત થયો છે. જેમાં શશિ થરુરે ઓપરેશન સિંદૂર પછી ભારતે કરેલી રાજદ્વારી પહેલને રાષ્ટ્રીય સંકલ્પ અને પ્રભાવી સંપ્રેક્ષણ કહીને બિરદાવી. થરુરે લેખમાં લખ્યું કે, 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા પછી તેના જવાબમાં શરૂ થયેલા ઓપરેશન સિંદૂર પછી ભારતની રાજદ્વારી સક્રિયતાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની સ્થિતિ મજબૂત કરી છે.