ગાંધીનગરઃ રાજ્યમાં રવિવારે 3656 ગ્રામપંચાયતોમાં 3656 સરપંચની બેઠકો માટે અને 16224 સભ્યોની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરપંચની બેઠકો માટે સરેરાશ 73.38 ટકા અને સભ્યોની સીટ માટે સરેરાશ 69.28 ટકા વોટિંગ નોંધાયું હતું. આ ચૂંટણી ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી યોજાઈ હતી.
રાજ્યમાં અગાઉ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં મધ્યસત્ર- સામાન્ય ચૂંટણી કે વિભાજન પછી ચૂંટણી યોજાતી હોય તેવી ગ્રામપંચાયતો 4564 હતી, જ્યારે પેટાચૂંટણી થતી હોય તેવી ગ્રામપંચાયતો 3524 હતી. આમાં 4564 ગ્રામપંચાયતો પૈકી 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ અને 272 ગ્રામપંચાયતો અંશતઃ બિનહરીફ થઈ હતી. આ પછી 3541 ગ્રામપંચાયતોમાં મધ્યસત્ર અને સામાન્ય ચૂંટણી તથા વિભાજન થયા પછી ચૂંટણી યોજવાની થતી હતી, બીજી તરફ 3524 પેટાચૂંટણીવાળી ગ્રામપંચાયતોમાં 3171 ગ્રામપંચાયતો ખાલી પડી હતી અથવા ત્યાં બિનહરીફ થઈ હતી, એટલે માત્ર 353 ગ્રામપંચાયતોમાં પેટાચૂંટણી યોજવાની થતી હતી.