સુરતઃ શહેરની ભવિષ્યની વસ્તીને પીવાનાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અને સુરતમાં પૂરની સ્થિતિના સમાધાનરૂપે રુંઢ-ભાઠા વચ્ચે રૂ. 950 કરોડના બેરેજ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે, જેનું મોડલ કેન્દ્રીય જળ અને વિદ્યુત સંશોધન સંસ્થા-પુણા ખાતે તૈયાર કરાયું છે. આ મોડલનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વન-પર્યાવરણ મંત્રી મૂકેશ પટેલ, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી વગેરેએ 17 જૂને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું 22 ફેબ્રુઆરી 2024ના રોજ ખાતમુહૂર્ત કરાયું હતું. આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જવાનો તંત્રનો દાવો છે. આગામી 50 વર્ષથી વધુ સમય માટે સુરતીઓને શુદ્ધ પાણીની કોઈ તકલીફ નહીં પડે તે માટે વધારાના સોર્સ તરીકે આ બેરેજ બનાવવાનું કામ ચાલુ કરાયું છે. આ પ્રોજેક્ટની રૂ. 950 કરોડની ગ્રાન્ટ પાલિકાને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળશે.
ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે
એ બેરેજ પ્રોજેક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. ડિઝાઇન સ્ટડી સેન્ટ્રલ વોટર કમિશન, સીડબલ્યુપીઆરએસ-પૂના, સરદાર સરોવર નર્મદા નિગમ-વડોદરાને સોંપાઈ છે. આ બેરેજથી પૂર સામે રક્ષણ મળશે, આ સાથે વધતી વસ્તીને પાણી પૂરું પાડી શકાશે. કોઝવેથી બેરેજ સુધીના 10 કિ.મી.ના પટ્ટામાં મીઠાં પાણીના જળાશયનું નિર્માણ થશે. ઉપરાંત ભરતીને કારણે તાપીમાં ખારું પાણી ભળતું અટકશે, નદીના પટનો ક્ષાર ઘટશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે.
વિશેષતાઓ તથા ફાયદા
આ બેરેજથી ઇચ્છાપોર-ડુમસ વચ્ચે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે તથા નદીના સામસામેના વિસ્તારોને નવી કનેક્ટિવિટી મળશે. હાઇવે-48થી પલસાણા-હજીરા હાઇવે, ડુમસ રોડ થઈને હજીરા રોડ કનેક્ટ થશે. આ ઉપરાંત વોટર સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિઓ શરૂ થશે.

