અમદાવાદઃ ગુજરાતમાંથી પાસપોર્ટ સરંડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગયા વર્ષે 181 સહિત છેલ્લાં 10 વર્ષમાં કુલ 22,993 લોકો દ્વારા પાસપોર્ટ સરંડર કરવામાં આવ્યો છે. અલબત્ત 2023ની સરખામણીએ 2024માં પાસપોર્ટ સરંડર કરનારામાં અંદાજે 3 ગણો જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ 2014થી વર્ષ 2022 દરમિયાન દેશનાં જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ સરંડર થયા હોય તેમાં દિલ્હી 60,414 સાથે મોખરે, પંજાબ 28,117 સાથે બીજા, ગુજરાત ત્રીજા, ગોવા 18,610 સાથે ચોથા જ્યારે મહારાષ્ટ્ર 17,171 સાથે પાંચમા સ્થાને છે.
સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 12.88 લાખ ભારતીયો દ્વારા નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. છેલ્લાં 6 વર્ષમાં અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસથી જ 36 લાખ જેટલા પાસપોર્ટ ઇશ્યૂ થયેલા છે. આમ વિદેશમાં અભ્યાસ, ફરવા જવા અને ત્યાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.