ભુજઃ ધીમેધીમે વધતી ગરમી વચ્ચે પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. પંથકમાં બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને છૂટાછવાયા છાંટા વરસ્યા હતા. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
મળતી માહિતી મુજબ બપોર પછી નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું નોંધાયું હતું. વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા હતા, જ્યારે ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને માટીની સોડમ ફેલાઈ હતી. આ કમોસમી વરસાદથી કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. એક તરફ ખેતરમાં હજુ ઘઉં સહિતના પાક લેવાના બાકી છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોને નુકસાનીની દહેશત છે.