નવી દિલ્હીઃ ગુજરાતનું ભરથાણા દેશનું સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. તેની વાર્ષિક કમાણી રૂ. 400 કરોડથી પણ વધારે છે. છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં તેણે સરકારને રૂ. 2,043.81 કરોડ કમાવી આપ્યા છે. ભરથાણા ટોલપ્લાઝા નેશનલ હાઇવે- 48 પર વડાદરા અને ભરૂચ વચ્ચે આવેલું છે. તેણે 2023-24માં સૌથી વધુ રૂ. 472.65 કરોડનો ટોલ વસૂલ્યો હતો.
આ ટોલપ્લાઝા મુંબઈ-દિલ્હી માર્ગ પર આવેલું હોવાથી અહીંથી પસાર થતાં વાહનોની સંખ્યા ઘણી વધારે છે. કાર, જીપ અને વાનથી યાત્રા કરનારા પાસે રૂ. 155નો ટોલ વન-વે સાઇડ માટે લેવાય છે અને ટુ-વે એટલે કે આવવા-જવાનો ટોલ રૂ. 230 લેવાય છે, જ્યારે તેનો માસિક પાસ રૂ. 5 હજારનો છે.
તે પછી બીજા નંબરનું ટોલપ્લાઝા રાજસ્થાન શાહજહાંપુરનું છે. તેણે 5 વર્ષમાં સરકારને રૂ. 1,884.46 કરોડ કમાઈ આપ્યા છે. અહીં પ્રવાસીઓના આગમનથી ટોલપ્લાઝાને નોંધપાત્ર પર કમાણી થાય છે. આ ટોલપ્લાઝા પણ નેશનલ હાઇવે-48 પર આવેલું છે. ત્રીજા નંબરનું સૌથી વધુ કમાણી કરતું ટોલપ્લાઝા પશ્ચિમ બંગાળનું જલધુલાગૌરી છે. તેની 5 વર્ષની કમાણી રૂ. 1,538.91 કરોડ છે, તે નેશનલ હાઇવે 16 પર આવેલું છે.