ભુજઃ રવિવારની રાત્રે કચ્છના આકાશમાં અનોખી ખગોળીય ઘટના બની હતી, જેમાં સંશોધનનો ધમધમાટ શરૂ થયો છે. મળતી વિગતો મુજબ ભુજના ગ્રામીણ વિસ્તારમાં રાત્રે 3:17 વાગ્યે ચમકતો બોલાઇડ તરીકે ઓળખાતો અગ્નિગોળો પસાર થયો હતો.
રાત્રે અલગ અલગ વિસ્તારના કેમેરામાં આ તેજસ્વી ઊલ્કા પસાર થવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેને લઈને મધરાત્રે પણ દિવસ જેવો પ્રકાશ છવાયો હતો. હાલની માહિતી પ્રમાણે આ પદાર્થ પૈયા પાસેના વિસ્તારમાં પડ્યો હોવાની શક્યતા છે. જેથી કચ્છ યુનિવર્સિટીના નિષ્ણાત પ્રોફેસરો દ્વારા વિસ્તારમાં સર્વે કરી સંશોધન હાથ ધરવામાં આવશે.
સંશોધનમાં કોઈ પદાર્થ મળે તો આગામી સમયમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ અને ઇસરોના વૈજ્ઞાનિકો કચ્છમાં આવી આ ખગોળીય ઘટનાનું સંશોધન કરશે.