આણંદઃ એક નારી એવી, જેણે દીકરીને જન્મ આપ્યાના 24 કલાકમાં જ કાળજે પથ્થર મૂકીને એક એવો નિર્ણય લીધો, જેને લેવા માટે ભલભલા લોકો પણ થથરી જાય. આણંદમાં રહેતા 40 વર્ષીય હાર્દિક શેલતને 10 માર્ચે બ્રેઇન હેમરેજ થયું હતું, જેમને 13 માર્ચે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ તેમનાં પત્ની નીમાબહેનને લેબર પેઇન ઉપડતાં હોસ્પિટલે ખસેડવા પડ્યાં હતાં,. જ્યાં તેમણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો.
એક તરફ જન્મ અને બીજી તરફ મૃત્યુની હકીકત વચ્ચે ઊભેલાં 38 વર્ષીય નીમાબહેને એક મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. દર્દ અને વ્યથા અંતિમ બિંદુએ હતાં, ત્યારે નીમાબેને પતિનાં અંગો દાન કરવાની સહમતી આપી હતી. આવા પ્રસંગો શીખવે છે કે દુઃખ અને પીડા વચ્ચે પણ માનવતાનો પ્રકાશ જીવંત રાખી શકાય છે.
પ્રસૂતિ માટે જ્યારે નીમાબહેનને ખસેડયાં ત્યારે તેઓ પતિની સ્થિતિ અંગે અજાણ હતાં. હાર્દિક શેલત બ્રેઇનડેડ થતાં સુરતસ્થિત ડોનેટ લાઇફની ટીમ આણંદ આવી. આ ટીમે હાર્દિકનાં માતા-પિતા અને સંબંધીઓને અંગદાનનું મહત્ત્વ સમજાવતાં તેમણે સહમતી દર્શાવી હતી. જો કે અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમાબહેનની સહમતી મળવી જરૂરી હતી. આ સમયે ખૂબ જ કઠણ હૃદયે નીમાબહેને જીવનસાથીનાં અંગોનું દાન કરવા સહમતી આપી હતી.