સંજાણઃ 21 માર્ચને પારસીઓએ જમશેદજી નવરોઝ તરીકે ઊજવી. વર્ષોથી પારસી સમાજમાં ઓછી વસ્તી એ ચિંતાનો વિષય રહી છે. પારસીઓ ગુજરાતમાં જે સંજાણ બંદરે ઉતર્યા એ ગામમાં એક સમયે 100થી વધુ પારસી પરિવારો રહેતા હતા. ત્યાં સુધી કે કેટલાંક ગામોનાં નામ પણ પારસી હતાં. જો કે હાલ સંજાણ ગામમાં માત્ર 12 પરિવાર જ વસવાટ કરે છે. વેપાર-ધંધા અને શિક્ષણ કારણે પારસી પરિવારો વિદેશ, મુંબઈમાં સ્થાયી થયા છે. આજે પણ પારસીઓનાં મકાનો અડીખમ છે, પરંતુ વસ્તી બહુ જ ઓછી જોવા મળે છે.
આશરે 1300 વર્ષ પહેલાં ઇરાનથી પારસીઓનું પહેલાં દક્ષિણ ગુજરાતના એક નાનકડા શહેર સંજાણમાં આગમન થયું હતું. સંજાણ બંદરે આવેલા પારસી સમાજે રાજાને વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે. ત્યારથી સંજાણ, ઉદવાડા, નારગોલ સહિતનાં ગામોમાં પારસી પરિવારો ધીમે-ધીમે આવતા ગયા હતા. એક સમયે આ ગામોમાં પારસીઓનું વર્ચસ્વ વધુ હતું. ગામનાં સામાજિક કામોમાં પણ આ પરિવારો અગ્રેસર રહેતા હતા. તેઓએ બનાવેલાં ઘરોમાં આજે પણ સંસ્કૃતિનું જતન જોવા મળે છે, પરંતુ શિક્ષણ, ધંધા-રોજગારના કારણે તેમનું સ્થળાંતર ચાલુ થયું હતું.