પોરબંદરઃ મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાનનું 3 માર્ચે ફાયરિંગ કરી અપહરણ થયું હતું. જેનો મૃતદેહ મળી આવતાં વતન પરત લવાયો હતો. મૂળ પોરબંદરનો 36 વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી 16 વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહી જનરલ સ્ટોર ચલાવતો હતો. ગત 3 માર્ચે ચોકવે વિસ્તારના એડ્યુઆર્ડો મોન્ડલેન એવન્યુમાં આવેલ ગેના-ગેના નામના સ્ટોર પર ગુજરાતી સ્ટાફ અને એક ગાર્ડ સાથે સ્ટોર બંધ કરીને પોતાની કાર લેવા રસ્તો ક્રોસ કરતો હતો, ત્યારે અચાનક જ એક કારમાં 4 શખ્સોએ વિનયની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરિંગ કરી તેનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટોરની બહારના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
ઘટના બાદ વિનયના પાર્ટનરને ફોન કરીને અપહરણકારોએ 31 લાખ ડોલરની સ્થાનિક કરન્સીમાં ખંડણી માગી હતી, આથી વિનયે રકમ આપવા તૈયારી બતાવી હતી. જો કે દિવસો વીતવા છતાં કોઈ ફોન ન આવતાં વિનયના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેના ભાઈ જયે 7 માર્ચે વિનયની વહેલીતકે મુક્તિ માટે વિદેશ મંત્રાલય, મોઝામ્બિક એમ્બેસી, કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પરિણામ મળ્યું નહોતું.
ગત રવિવારે બાતમીના આધારે સ્થાનિક પોલીસે 3 અપહરણકારોને ઝડપી જંગલમાં દાટેલો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન 7 શંકાસ્પદની અટકાયત કરી હતી, જેમાં બે ગુઇજા જિલ્લાના પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે.