નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી આવાસમાંથી કરોડો રૂપિયા મળવાના કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારે રાતે જસ્ટિસ વર્માના ઘરના સ્ટોરરૂમનો વીડિયો અને અન્ય દસ્તાવેજો તેની વેબસાઇટ પર જાહેર કર્યા. વીડિયોમાં રૂ. 500ની નોટનાં બંડલો સળગેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. હવે જસ્ટિસ વર્માના ઘરની બહારથી પણ રૂ. 500ની બળી ગયેલી નોટો મળી આવી છે. આ બંને વીડિયોએ જસ્ટિસ વર્માની મુશ્કેલી વધારી દીધી છે. હવે આ સમગ્ર ઘટનાક્રમ અંગે જસ્ટિસ વર્માનું નિવેદન આવી ગયું છે. તેમણે કોઈ રીઢા ગુનેગારની જેમ રટણ ચાલુ રાખ્યું છે કે તેઓ નિર્દોષ છે અને સ્ટોરરૂમમાં કરોડો રૂપિયા કોણ મૂકી ગયું તેની તેમને કોઈ જાણ નથી. આગ લાગ્યાની રાતે પરિવારે જે સ્ટોરરૂમ બતાવ્યો તેમાં કોઈ બંડલો નહોતાં.
દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનું સરકારી ઘર 30 તુઘલક રોડ પર છે. આ ઘરના સ્ટોર રૂમમાં 14 માર્ચને ધુળેટીના દિવસે આગ લાગી હતી. એક સપ્તાહ પછી હવે આ ઘટના અંગે ભારે હોબાળો મચ્યો છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે આ ઘટનાના સંદર્ભમાં દસ્તાવેજોના ભાગરૂપે સ્ટોરરૂમનો એક વીડિયો શનિવારે રાતે તેની વેબસાઇટ પર અપલોડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
વધુમાં રવિવારે એનડીએમસીના સફાઈ કર્મચારીઓ 30 તુઘલક રોડ પર સાફ-સફાઈ કરવા ગયા ત્યારે તેમને કાગળના કેટલાક સળગેલા ટુકડા મળ્યા હતા. કથિત રીતે આ ટુકડા રૂ. 500ની નોટોના હતા.