નવી દિલ્હીઃ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગીને હવે બેલ્જિયમ પહોંચી ગયો હોવાના અહેવાલ છે. મેહુલ ચોક્સી બેલ્જિયમનું “એફ રેસિડેન્સી કાર્ડ' મેળવીને હાલ તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહેતો હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
ભારતીય સત્તાવાળાઓએ બેલ્જિયમને મેહુલ ચોક્સીનું ભારતને પ્રત્યાર્પણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કર્યાના પણ અહેવાલ છે. અલબત્ત આ બાબતે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,500 કરોડના લોન ફ્રોડ કેસમાં વોન્ટેડ મેહુલ ચોક્સી બેલ્જિયમ ભાગ્યો તે પહેલાં એન્ટિગુઆ અને બાર્બુડામાં રહી ચૂક્યો છે. તેની પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણ ટાળવા માટે બેલ્જિયમનું રેસિડેન્સી કાર્ડ મેળવવા ગેરમાર્ગે દોરતા બોગસ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. બેલ્જિયમનું “એફ રેસિડેન્સી કાર્ડ' મળવાથી મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં રહેવાની અને યૂરોપમાં ફરવાની છૂટ મળી ગઈ છે.