અમદાવાદઃ કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે ઇન્ડિયા ટૂરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023નો અહેવાલ જાહેર કર્યો છે. જે મુજબ ભારતમાં ગુજરાતે વિદેશી પ્રવાસીઓની દૃષ્ટિએ પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં કુલ 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. એમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70 ટકા સાથે સૌથી વધુ રહ્યો છે. એ પ્રમાણે વર્ષ 2022માં કુલ 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશનાં વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85 ટકા સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવાયાં છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્ત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવાયું છે.