અમદાવાદઃ પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી રૂ. 100 કરોડનો દલ્લો છુપાવી રાખનારા શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ આરંભાઈ છે. સોમવારે બપોરથી ડીઆરઆઇ અને ગુજરાત એટીએસ દ્વારા 17 કલાકના સર્ચ બાદ એવી વિગતો જાહેર કરાઈ છે કે, કુલ 107 કિલો સોનાની લગડીઓ અને દાગીના મળ્યા છે, તેમાંથી 52 કિલો સોનું વિદેશી માર્કાનું છે, જે દાણચોરીથી મેળવવામાં આવ્યું છે.
નાયબ પોલીસ અધીક્ષક એસ.એલ. ચૌધરીને મળેલી બાતમીના આધારે પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટ-3ના ફલેટ નંબર 104માં એટીએસ અને ડીઆરઆઇ-અમદાવાદની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન કર્યું હતું. મેઘકુમાર શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી જડતી દરમિયાન 87.920 કિલો ગોલ્ડ બાર, 19.663 કિલો સોનાના દાગીના, 11 મોંઘી ઘડિયાળો ઉપરાંત રોકડા રૂ. 1,37,95,500 મળી કુલ 100 કરોડનો દલ્લો મળી આવ્યો હતો. કબજે કરાયેલા 87 કિલો ગોલ્ડબાર પૈકી 52 કિલો ગોલ્ડબાર ઉપર ફોરેન માર્ક મળ્યાં હોવાથી તે દાણચોરીનું હોવાનું દર્શાઈ આવ્યું છે.