મહેસાણાઃ છેલ્લા 9 મહિનાથી ટેકનિકલ ખામીના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સહયાત્રી સાથે અટવાયેલાં સુનિતા વિલિયમ્સે બુધવારે વહેલી સવારે ફલોરિડાના દરિયામાં ઉતરાણ કરતાં સમગ્ર વિશ્વએ તેમને ઉત્સાહભેર વધાવી શુભેચ્છા પાઠવી હતી. આ સમયે તેમના પૈતૃક ગામ કડી તાલુકાના ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અવકાશમાં અટવાયેલી ગામની દીકરી સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ગામદેવી દોલામાતાજીના મંદિરે અખંડ દીવો પ્રજ્વલિત કરી પ્રાર્થના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સુનિતાને વતનપ્રેમ સાથે ભારતીય સંસ્કૃતિ તેમજ ઇશ્વરીય શક્તિ પર અપાર શ્રદ્ધા છે. તેઓ અગાઉ અવકાશની સફર ખેડ્યા બાદ દોલામાતાનાં દર્શનાર્થે આવ્યાં હતાં. આ વખતે પણ તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર સફળતાપૂર્ણ પરત ફરતાં સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છવાઈ હતી.