નવી દિલ્હીઃ ભારતે ગુરુવારે રૂ. 54 હજાર કરોડથી વધુની સૈન્ય સામગ્રી ખરીદવા મંજૂરી આપી છે. જેમાં હવાઈ હુમલા ચેતવણી અને નિયંત્રણ વિમાન પ્રણાલી, ટોર્પિડો અને ટી-90 ટેન્કોનાં એન્જિન સામેલ છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખરીદ પ્રસ્તાવોને મંજૂરી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલ ડીએસીની બેઠકમાં આપવામાં આવી હતી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર ડીએસીએ રૂ. 54 હજાર કરોડથી વધુની રકમના 8 મૂડી સંપાદન પ્રસ્તાવોને પ્રારંભિક મંજૂરી આપી છે. સુરક્ષા બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીએસ)એ ભારતીય સેના માટે રૂ. 7 હજાર કરોડના ખર્ચથી એડવાન્સન્ડ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ (એટીએજીએસ) ખરીદવા માટે એક મોટા સોદાને મંજૂરી આપી છે. જે આ પ્રકારના હોવિત્ઝરના સ્વદેશી નિર્માણની દિશામાં એક મોટું પગલું છે. 155 એમએમ આર્ટિલરી ગન સિસ્ટમનો વિકાસ, ઉત્પાદન અને ડિઝાઇન સ્વદેશીસ્તરે કરવામાં આવી છે. આ તોપોને કારણે ભારતીય સેનાનું ઓપરેશન ક્ષમતામાં વધારો થશે. આ ગન સિસ્ટમ 48 કિ.મી. સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.