વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવાં કથિત નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે, ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકમાં વાર્તા નંબર 33 માં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઊભા કરાયા હોય તેમ ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ’ એવો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે.
સનાતનને પડકારતી આ વાતને તથાકથિત ધાર્મિક ગ્રંથ મુદ્રિત કરવા મુદ્દે સનાતન ધર્મીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તો દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ આ મામલે સખત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયામાં પણ અનેક સનાતન ધર્મીઓએ વિરોધ કર્યો છે.