અમદાવાદઃ આઇઆઇએમ-અમદાવાદના સમર પ્લેસમેન્ટમાં પ્રથમ વખત અમેરિકા સહિતની ફિનટેક અને ન્યૂ એજ કંપનીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિદ્યાર્થીઓને નોકરીઓની ઓફર કરી હતી. ટ્રમ્પ ભલે ન ઇચ્છે, પરંતુ ભારતીય ટેલેન્ટ વગર મોટી-મોટી કંપનીઓને ચાલે તેમ નથી એ સાબિત થયું છે. પ્લેસમેન્ટમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને અમેરિકન અથવા નોન અમેરિકન કોઈપણ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.
અમેરિકાને ભારતીયો વિના ઉદ્ધાર નહીં
અમેરિકા મૂળની 24 કંપનીએ આઇઆઇએમ અમદાવાદમાં સમર પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબની જોબ ઓફર કરી હતી. મતલબ સ્પષ્ટ છે કે ભારતના ટેલેન્ટ વગર અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓને ચાલે તેમ નથી. આ કારણે જ અમેરિકન એક્સપ્રેસ, એપલ, ઓપ્ટમ, ન્યુક્લિયસ સોફ્ટવેર, બ્લેકસ્ટોન અને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ આ વર્ષની જેમ ભવિષ્યમાં પણ પ્લેસમેન્ટમાં આવશે.
કેવી કંપનીઓએ ભાગ લીધો
પ્લેસમેન્ટમાં મુખ્ય કંપનીઓ દ્વારા તમામ 410 વિદ્યાર્થીની પસંદગી કરાઈ હતી. એપલ, અમેરિકન એક્સપ્રેસ, ન્યુક્લિયસ સોફ્ટવેર, વિવિફાઇ ઇન્ડિયા ફાઇનાન્સ જેવી ફિનટેક કંપનીઓએ પણ ભાગ લીધો હતો, જેમના દ્વારા અનેક વિદ્યાર્થીઓને જોબ પણ ઓફર થઈ છે. બ્લેકસ્ટોન, એડોબ, પિરામલ ઓલ્ટરનેટિવ્સ, વ્હાઇટઓક, નીઓ ગ્રૂપ જેવી નવા યુગની કંપનીઓએ પણ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. હેક્સાવેર, માઇક્રોસોફ્ટ અને ન્યૂજેન જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેમાં હાજર રહી હતી.
એમેઝોન, ફ્લિપકાર્ટ, મિત્રા અને ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપનીઓએ પણ નોંધપાત્ર ઓફર સાથે વિદ્યાર્થીઓને આકર્ષ્યા હતા. દેશ અને દુનિયાભરની બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને નોંધપાત્ર ઓફરો આપી હતી. વધુમાં આગળ પણ ફિનટેક અને નવા યુગની કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓ પર પ્લેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોંધપાત્ર ઓફર આપવાનું ચાલુ રાખશે. ભારત અને વિદેશની કુલ 165 કંપનીએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો.

