જામનગરઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર હાલ ભારતના પ્રવાસે છે. ઉદયપુરમાં લગ્ન પ્રસંગે મહેમાન બનેલા ટ્રમ્પ જુનિયરે જામનગરમાં અનંત અંબાણીના વનતારા એનિમલ કન્ઝર્વેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શિકારના શોખીન છે, પરંતુ વનતારાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ પ્રાણીઓનું જીવન મારા કરતાં પણ સારું છે. ટ્રમ્પ જુનિયરે આ પ્રકારનો પ્રોજેક્ટ આ પહેલા ક્યારેય જોયો નથી એવો સ્વીકાર પણ કર્યો હતો.
ગુરુવારે ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર એરપોર્ટ પર ઊતર્યા બાદ VVIP સુરક્ષા સાથે રિલાયન્સ સંચાલિત ‘વનતારા’ પ્રોજેક્ટ જવા રવાના થયા હતા. અહીં તેમણે ગણપતિ મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત શહેર માટે એક વિશેષ પ્રસંગ બની રહી હતી.

