નવી દિલ્હીઃ દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ બાદ તેના તાર અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા મળ્યા છે. આ કેસમાં તપાસ કરતાં મોટાભાગના આરોપીઓ અલ-ફલાહ સાથે જોડાયેલા હોવાનું જણાયું છે. જેમાં સુરક્ષા એજન્સીઓને રૂ. 450 કરોડની હેરાફેરી અંગે યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દિકી સહિત 200 ડોક્ટર્સ અંગે તપાસ હાથ ધરાઈ છે.
ઈડી દ્વારા જાવેદ અહેમદની તપાસ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ સંડોવાતાં નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહેલી ઈડી દ્વારા ચેરમેન જાવેદ અહેમદ સિદ્દિકીની ધરપકડ કરવામાં આવી છે, જેને 13 દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી દ્વારા ગેરરીતિથી રૂ. 415 કરોડથી વધુની કમાણી કરવામાં આવી છે, જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી જ પડાવવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અલ-ફલાહ યુનિ.ના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દિકી ભારત છોડવાની ફિરાકમાં હતો. તેના પરિવારના કેટલાક લોકો ગલ્ફ કન્ટ્રીઝમાં સ્થાયી થઈ ચૂક્યા છે.
કેટલાક સંસ્થા છોડીને જતા રહ્યા
દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં પોલીસ અનુસાર હવે અલ-ફલાહ યુનિવર્સિટીના 200 કરતાં વધારે ડોક્ટર્સ એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓ આ યુનિવર્સિટીના કેટલાક સ્ટાફ મેમ્બર્સની પૂછપરછ કરવાની તૈયારીમાં છે. પોલીસને જાણકારી મળી હતી કે વિસ્ફોટ થયો તે દિવસે જ યુનિવર્સિટીના ઘણા ડોક્ટર એકાએક યુનિવર્સિટી છોડીને જતા રહ્યા હતા. એજન્સીઓ આ જાણવા માટે પ્રયાસરત્ છે કે આખરે વિસ્ફોટના દિવસે જ આટલા તબીબો અને સ્ટાફ યુનિવર્સિટી છોડીને કેમ જતા રહ્યા. દિલ્હી બ્લાસ્ટની તપાસમાં એનઆઇએ વધુ 4 આરોપીની ધરપકડ કરી છે, જેમણે 120 કારની વ્યવસ્થા, મૂવમેન્ટ અને સુરક્ષિત ટ્રાન્સફર કરાવી હતી.

