વડોદરાઃ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન – SIRની કામગીરી અંતર્ગત શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારી ઉષાબહેન ઇન્દ્રસિંહ સોલંકીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. મહિલા BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં, ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઉષાબહેનને હાર્ટએટેક આવ્યો હોવાની આશંકા છે.
ફરજ પર હતાં ત્યારે અચાનક ઢળી પડ્યાં
મૃતક મહિલા BLO ઉષાબહેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા મહિલા આઇટીઆઇ (ITI) ખાતે નોકરી કરતાં હતાં અને શનિવારે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબહેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં અને ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
4 દિવસમાં ચાર કર્મચારીનાં મોત
SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે બીએલઓની કામગીરી કરી રહેલા 4 કર્મચારીનાં 4 દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબહેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યુ થયું છે. આ ઘટનાઓના પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. તો ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે.
દેશભરમાં 15 BLOનાં મોત
છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં રાજ્યોમાં કામના બોજ તળે 15 BLOનાં મોત થઈ ચૂક્યાં છે. જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4, પશ્ચિમ બંગાળમાં 3, રાજસ્થાનમાં 2 સિવાય કેરલ અને તામિલનાડુમાં 1-1 BLO કર્મચારીઓનાં મોત થઈ ચૂક્યાં છે. આ 15 BLO પૈકી નાદિયાનાં મહિલા BLO રિન્કુ તરફદાર અને કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણથી કંટાળી આત્મહત્યા કરી છે.

