ડિજિટલ એરેસ્ટ બાદ વડોદરાના ખેડૂતની ઝેરી દવા પીને આત્મહત્યા

Wednesday 26th November 2025 08:01 EST
 
 

વડોદરાઃ જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ એરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે. કાયાવરોહણના કાકારામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેન્ક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલતી હોવાનું કહી ધમકાવ્યા હતા, ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.
સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ સોમવારે તેમના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોએ આ ઘટનાની પાછળ છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. આ સમયે ભેજાબાજે આઇકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)નો ઇન્સ્પેક્ટર હોવાનો દાવો કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે, ATS અને રૂ. 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા.
મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું કે, હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા ખેતી કરતા હતા, ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. અમારા લાખ પૂછવા છતાં તેમણે કોઈને કશું કહ્યું નહોતું. તેમના મિત્રોએ પણ બહુ પૂછયું તેમને પણ કશું ન કહ્યું. પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણે દવા પી લીધી હતી, જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું.


comments powered by Disqus