પટણાઃ બિહારમાં નીતિશકુમારની નવી કેબિનેટના મંત્રીઓનાં ખાતાંની ફાળવણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુમારે લગભગ છેલ્લાં 20 વર્ષથી ગૃહખાતું પોતાની પાસે રાખ્યું હતું, પરંતુ આ વખતે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરીને ગૃહખાતું સોંપવામાં આવ્યું છે. જ્યારે ભાજપના અન્ય એક નાયબ મુખ્યમંત્રી વિજયકુમારને મહેસૂલ, જમીન સુધારા અને ખાણ-ખનિજ ખાતાની ફાળવણી કરાઈ છે.
આ દર્શાવે છે કે, નીતિશકુમારે ભાજપના દબાણમાં ખાતાંની ફાળવણી કરી છે. ટૂંકમાં ભાજપને ગૃહ, આરોગ્ય અને ઉદ્યોગ જેવા મહત્ત્વનાં ખાતાં મળ્યાં છે, જ્યારે જેડીયુએ જળસંસાધન, શિક્ષણ અને ગ્રામવિકાસ પોતાની પાસે રાખ્યાં છે. જો કે મુખ્યમંત્રી નીતિશકુમારે સામાન્ય વહીવટ વિભાગ, કેબિનેટ સેક્રેટરિયેટ અને વિજિલન્સનો પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યો છે. શુક્રવારે ખાતા ફાળવણીના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર જેડીયુના વરિષ્ઠ નેતા બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાં અને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જેડીયુના એક અન્ય વરિષ્ઠ નેતા શ્રવણ કુમારને ગ્રામ વિકાસ અને પરિવહન વિભાગ અને તેમની જ પાર્ટીના સાથી અશોક ચૌધરીને રૂરલ વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને વિજય ચૌધરીને બાંધકામ, જળ સંસાધન અને સંસદીય બાબતો તથા મદન સાહનીને સોશિયલ વેલફેરનો પોર્ટફોલિયો ફાળવાયો છે.
ભાજપની શ્રેયસી સિંહને સ્પોર્ટ્સ અને આઇટી, તેમજ ભાજપના નેતા અરુણ શંકર પ્રસાદને પ્રવાસન અને સંજય ટાઇગરને લેબર રિસોર્સ ડિપાર્ટમેન્ટ અપાયું છે.
એનડીએના સહયોગી રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના દીપક પ્રકાશને પંચાયતી રાજ અને હમના સંતોષ કુમને માઇનર વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ તેમજ એલજેપી(રામવિલાસ)ના સંજય કુમારને શેરડી વિભાગ અને સંજયકુમાર સિંઘ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, નીતિશકુમારે દસમી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા અને તેમની સાથે 26 મંત્રીઓએ શપથગ્રહણ કર્યા છે.

