પોરબંદરઃ માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ–રુક્મીણિ યાત્રાધામનો વિકાસ સતત ગતિ પકડી રહ્યો છે. કુલ રૂ. 91 કરોડથી વધુના માસ્ટર પ્લાન હેઠળ આ તીર્થધામનો સર્વાંગી વિકાસ હાથ ધરાયો છે, જેમાંથી બીજા તબક્કાનાં રૂ. 43.72 કરોડનાં વિકાસકાર્યોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
પ્રથમ તબક્કામાં રૂ. 48 કરોડનાં કાર્યોનું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર ઘેડ યાત્રાધામ ખાતે રૂ. 48 કરોડનાં કાર્યોનું લોકાર્પણ કરાયું છે. આ તબક્કામાં રુક્મીણિ માતા મંદિર અને બ્રહ્મકુંડ જેવી મહત્ત્વપૂર્ણ ધાર્મિક જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોરી માયરાની જગ્યા, માધવરાયજી મંદિર માર્ગ પર બીચ ડેવલપમેન્ટ સહિતનાં કાર્યોનો વિકાસ કરીને યાત્રાળુઓ માટે સુવિધા તૈયાર કરાઈ છે. પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજા તબક્કામાં રૂ. 43 કરોડથી વધુના ખર્ચે બીજા તબક્કાનાં મહત્ત્વપૂર્ણ કાર્યો હાથ ધરાશે.

