જામનગરઃ ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને દીકરીના લગ્નમાં આવેલી મુશ્કેલીની વાત આવતાં જ તેમની આંખો ભીની થઈ ગઈ અને એક એવો નિર્ણય લીધો જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે.
જામનગરના ટાઉનહોલમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને તે પહેલાના દિવસે એક દીકરીનાં લગ્ન હતાં. મુખ્યમંત્રીએ તેમના કાર્યક્રમને કારણે લગ્ન અટકે નહીં તેટલા
માટે તેમના કાર્યક્રમનું સ્થળ બદલવાના આદેશ કર્યા હતા.
જામનગરની સંજના પરમારનાં લગ્ન જામનગરના ટાઉનહોલમાં 23 નવેમ્બરે હતા, પણ આ ટાઉનહોલમાં 24 નવેમ્બરે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આગલા દિવસથી જ ટાઉન હોલ સોંપવો પડે તેમ હતો. મુખ્યમંત્રીના કાર્યક્રમના પગલે આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય, આવી સ્થિતિમાં લગ્ન સ્થળ બદલવા સ્થાનિક તંત્રએ આદેશ પણ કર્યો હતો. જો કે આ બાબતની પરિવારે મુખ્યમંત્રીને રજૂઆત કરતાં દાદા બોલ્યા કે, હું મુખ્યમંત્રી
તો છું જ, પરંતુ મુખ્યમંત્રી પહેલા રાજ્યની દીકરીઓનો બાપ પણ છું. એટલે
દીકરીનાં લગ્નનું સ્થળ ન બદલાય, મારા કાર્યક્રમનું સ્થળ બદલો.
આ પહેલાં તંત્રએ લગ્ન માટે ટાઉનહોલ રદ કરી અન્ય સ્થળે યોજવાની તાકીદ કરી હતી. શું કરવું, શું ન કરવું, મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી સ્થાનિક તંત્રએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. આખરે પરિવારે સમગ્ર બાબતની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલયને કરી અને પરિવારની વિકટ પરિસ્થિતિ વિશે જાણ કરી. સમગ્ર
મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે આવતાં સંવેદન દર્શાવી તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું હતું.
તાત્કાલિક નવું સ્થળ શોધવું મુશ્કેલ હતું
નવવધૂ સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારે જણાવ્યું કે, લગ્નની તમામ તૈયારી થઈ ગઈ હતી. કંકોત્રીમાં સ્થળ છપાઈ ગયું અને છેલ્લી ઘડીએ લગ્નનું સ્થળ રદ થાય તો લગ્નની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અને મહેમાનોને જાણ કરવી મુશ્કેલ કાર્ય હતું. જો કે મુખ્યમંત્રીનો ફોન આવતાં જ અમે ચિંતામુક્ત થયા.

