વડનગરઃ ભારતીય સંસ્કૃતિનાં 2 હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠેલા વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવ-2025નો શુભારંભ કરાવ્યો હતો. આ મહોત્સવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે યોજવામાં આવે છે.
આ સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એનાયત કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અનાદિકાળથી અહીં સમર્પણ અને સેવાસાધનાની પરાકાષ્ઠા વિકસી છે. તેમણે તાનારીરીને અણમોલ સંગીત કલાવારસાનું ઉત્તમ ઉદાહરણ ગણાવતાં કહ્યું કે, તેમની જેમ જ વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત્ રહીને દેશ-દુનિયાને સેવા સાધનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની નેમ છે કે કલા સંસ્કૃતિની સ્વદેશી વિરાસત સચવાઈ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે. તેમણે આ કલા-સંસ્કૃતિના જતન સાથે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડનગરની આ પવિત્ર ધરતી પરથી કટિબદ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.

