વડોદરાઃ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી શહેરની સ્ટર્લિંગ જૂથ કેસમાં સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સાંડેસરા જૂથની કંપનીઓ પાસેથી લહેણી પેટે બાકી નીકળતી રકમ સહિત કુલ રૂ. 5100 કરોડ એકસાથે સુપ્રીમ કોર્ટમાં જમા કરાવાશે તો કંપની સામેના ઈડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ સહિતના તમામ કેસમાં ક્લીનચીટ મળશે તેવો સુપ્રીમ કોર્ટે 19 નવેમ્બરે ફેંસલો સંભળાવ્યો છે. આ રકમ ભરવા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીને 17 ડિસેમ્બર સુધીની મહેતલ આપી છે.
ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની સ્ટર્લિંગ જૂથની વિવિધ કંપનીઓ આર્થિક ભારણના કારણે છેલ્લા ઘણા સમયથી લિટિગેશનનો સામનો કરી રહી હતી. કંપનીઓ સામે નોંધાયેલી એફઆઇઆરમાં લહેણીની રકમ રૂ. 5383 કરોડ દર્શાવાઈ હતી, જ્યારે એક સમાધાન કરાર પ્રમાણે કુલ રૂ. 6761 કરોડ નક્કી થયા હતા. અત્યાર સુધી રૂ. 3,507.63 કરોડ જમા કરાવાયા છે અને એનસીએલટી મારફતે રૂ. 1192 કરોડ વસૂલાયા છે. રૂ. 2061 કરોડ ચૂકવવાના બાકી છે. તમામ ફોજદારી અને આર્થિક કાર્યવાહી પર પૂર્ણવિરામ મૂકવા સોલિસિટર જનરલે રૂ. 5100 કરોડની ગ્લોબલ સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ સ્ટર્લિંગ જૂથ દ્વારા 17 ડિસેમ્બર સુધીમાં રૂ. 5100 કરોડ ભરપાઈ કરવાના રહેશે, જેથી તેની સામેના તમામ કેસમાં ક્લીનચીટ મળી શકે.

