અમદાવાદઃ ઓલિમ્પિકના આયોજન માટે સરકારે દાવેદારી કરી છે. તેની સાથે જ શહેરમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે. ઓલિમ્પિક માટે જ્યાં પણ સ્પોર્ટ્સ સંકુલ બનશે તેને મેટ્રો ટ્રેન સાથે કનેક્ટ કરાશે, જેથી લોકોને ઝડપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે. રવિવારથી સચિવાલય સુધી મેટ્રો દોડી હતી. આ વર્ષના અંત સુધીમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડાવવાનું આયોજન છે. હવે ગોધાવી અને અમદાવાદ એરપોર્ટ સુધી મેટ્રો દોડાવવા આયોજન છે. સચિવાલયના રૂટ સાથે અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 62 કિ.મી. સાથે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. 350 કિલોમીટરના નેટવર્ક સાથે દિલ્હી પહેલા ક્રમે છે.
થોડા સમયમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી તેમજ ગિફ્ટ સુધીની અંદર મેટ્રોની કામગીરી શરૂ થઈ શકે. બંને રૂટ માટે ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનના પ્લાનને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ બંને પ્રોજેક્ટનો ડીપીઆર કેન્દ્રમાં મોકલાયો છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના 4 કિ.મી.ના રૂટ પર રૂ. 1800 કરોડનો ખર્ચ થશે.