વડોદરાઃ કરનાળીસ્થિત શ્રી કુબેરેશ્વર મંદિરના વહીવટના વિવાદમાં ચેરિટી કમિશનરે કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાનની પંચાયતી અખાડાએ હટાવી દીધેલી દાનપેટી ફરી મંદિરમાં મૂકી પૂજારીઓને સેવા માટે મંદિરમાં પ્રવેશ આપવા વચગાળાનો હુકમ કર્યો છે.
નર્મદા જિલ્લાના કરનાળીસ્થિત કુબેરેશ્વર મંદિરના વહીવટ બાબતે પાછલા કેટલાક સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મંદિરનો વર્ષોથી વહીવટ સંભાળતા કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટની દાનપેટીઓ તાજેતરમાં મંદિરમાંથી હટાવી દઈ પંચાયતી અખાડાએ પોતાની દાનપેટી મૂકી પૂજારીઓની ઓરડીઓ તોડી નાખી વર્ષોથી સેવા આપતા પૂજારીઓને મંદિરથી કાઢી મૂક્યા હતા. આ મુદ્દે શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાને સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ દાદ માગી હતી. આ અંગે ચેરિટી કમિશનરના અધિકારીઓ ચાણોદ પોલીસ મથકે પહોંચ્યા હતા, જે બાદ કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન તરફેણમાં હુકમ થયો છે.