અમદાવાદઃ એરપોર્ટ પર બોગસ ફ્રેન્ચ પાસપોર્ટ સાથે આણંદના કરમસદના યુવકની ધરપકડ કરાઈ છે. આ બોગસ પાસપોર્ટ યુવકે ઝડપથી કેનેડા પહોંચી જવા રૂ. 3 લાખ આપી મહારાષ્ટ્રના બે એજન્ટો પાસેથી બનાવડાવ્યો હતો. આ યુવક અમદાવાદથી દોહા થઈને કેનેડા જવાનો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 23 એપ્રિલે રાત્રે અમદાવાદથી દોહા જતી કતાર એરવેઝના પેસેન્જરનું ઇમિગ્રેશન થઈ રહ્યું હતું. આ સમયે ત્યાં આણંદના કરમસદ ખાતે રહેતો જેવિન સંજયભાઈ પટેલનો પાસપોર્ટ ચેક કરતાં તે નકલી હોવાનું જણાયું હતું. ઉપરાંત તેમાં ઇમિગ્રેશનના સિક્કા અને ઈ-વિઝા પણ ફેક જણાતાં ઇમિગ્રેશન અધિકારીએ જેવિનને સાઈડમાં લઈ જઈ પૂછપરછ કરી હતી.
જેવિન પટેલની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ ફ્રેન્ચ પાસપોર્ટ તેણે મહારાષ્ટ્રના મોહંમદભાઈ અને ઇમરાન પાસે બનાવ્યો હતો અને તેના પેટે તેમને રૂ. 3 લાખ ચૂકવી આપ્યા હતા. આ જ પાસપોર્ટ પર તેણે કેનેડિયન ઈ-વિઝા પણ એપ્લાય કરી દીધા હતા. આ અંગે ઇમિગ્રેશન ઓફિસરે જેવિન સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી એસઓજીને સોંપીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.