અમદાવાદઃ પહેલગામ હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિઝા પર આવેલા પાકિસ્તાનીઓ અને ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાની સૂચના તમામ મુખ્યમંત્રીઓને અપાઈ હતી. જે અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસે શુક્રવારની રાત્રે સાગમટે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ઘૂસણખોરી કરી સ્થાયી થયેલાં 1534 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.
ગુજરાત પોલીસે 4 મહાનગરોમાં આયોજનબદ્ધ શુક્રવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયેલા કુલ 1534 લોકોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદથી મહિલાઓ અને બાળકો સહિત સૌથી વધુ 890, સુરતથી 134, વડોદરાથી 500 અને રાજકોટથી 10 બાંગ્લાદેશી અને તેમના પરિવારને ઝડપી ડોક્યુમેન્ટસની તપાસ હાથ ધરાઈ હતી.
તમામ જિલ્લામાં સર્ચ ઓપરેશન થશે
શનિવારે સવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસવડા, પોલીસ કમિશનર અને તમામ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સૂચના આપી હતી કે તેમના જિલ્લા અને શહેરના તમામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા કાર્યવાહી કરવી. જેનો રિપોર્ટ પણ ડીજીપીને આપવાનો રહેશે. આ ઉપરાંત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા આદેશ અપાયો છે.
બનાવટી દસ્તાવેજ બનાવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે
અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવાની સાથે તેમની પાસેથી બનાવટી આધાર કાર્ડ, ચૂટણી કાર્ડ સહિતના દસ્તાવેજ મળ્યા હતા. પોલીસે તમામ દસ્તાવેજ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે, જેમાં આ દસ્તાવેજ તૈયાર કરાવી આપનારી ગેંગ અંગે તમામ વિગતો એકઠી કરી તેમના વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરાશે.