અમદાવાદઃ કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાટીમાં 26 નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ કાશ્મીરના પ્રવાસો ધડાધડ રદ થઈ રહ્યા છે. કાશ્મીર પ્રવાસનું 80 ટકા બુકિંગ કેન્સલ થયું છે. આતંકી હુમલા બાદ અમદાવાદ સહિત ગુજરાતભરના ટૂર એજન્ટોની ઓફિસો પર બુકિગ રદ કરવા અંગેના ફોન રણકી ઊઠ્યા હતા. ટૂર ઓપરેટરોને એક વિનંતી કરવામાં આવી રહી છે કે, અમારે કાશ્મીર જવું નથી. એર-રેલવે ટિકિટ સાથે ટૂર બુકિંગ કેન્સલ કરી દો. અમે બીજા કોઈ સ્થળે ફરવા જઈશું.
ઉનાળુ વેકેશન હોઈ હાલ કાશ્મીર ગુજરાતી પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન બની રહ્યું હતું. વર્ષ 2024માં 35 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા હતા. ખીણ પ્રદેશમાં શાંતિ છવાયેલી હોવાથી ગુજરાતીઓએ કાશ્મીર પર પસંદગી ઉતારી હતી. હાલ ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ત્યારે ગુજરાતીઓએ કાશ્મીરમાં રજા ગાળવાનું નક્કી કર્યું હતું.