અમદાવાદઃ પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના અટકાવવા સોમનાથ સહિત અન્ય પ્રસિદ્ધ મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે.
સુરક્ષાના ભાગરૂપે સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતનાં મંદિરોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ડોગ સ્ક્વોડ દ્વારા ઠેરઠેર વાહન ચેકિંગ કરવાની સાથે રાજ્યોને જોડતી બોર્ડર પર વાહન ચેકિંગ સઘન બનાવાયું છે. અમદાવાદ જેવાં શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પેટ્રોલિંગ શરૂ કરાયું છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચાંપતી નજર રખાઈ રહી છે. પાટનગર ગાંધીનગરને કલેક્ટરે નો ડ્રોન એરિયા જાહેર કર્યો છે. આ ઉપરાંત એલસીબી, ક્રાઇમબ્રાન્ચ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે.
કાશ્મીરમાં 27 નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં રોષ ભભૂક્યો છે. અમદાવાદમાં નહેરુબ્રિજના છેવાડે અને કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તરફ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં શહેર પોલીસ કમિશનરથી માંડીને જિલ્લા પોલીસવડા પણ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.