ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના પડકારને ઝીલીને અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલ સહિતનો કાફલો ગોંડલ પહોંચ્યો હતો. જો કે ભરૂડી ચોકડીથી જ ગણેશના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કરતાં કાફલાએ પોતાનું રોકાણ ટુંકાવી કલાકમાં જ ગોંડલ છોડ્યું હતું. કથીરિયાનો વિરોધ દર્શાવતાં બેનરો સાથે મોટી સંખ્યામાં રોડ પર ઉતરેલાં મહિલાઓ સહિતનાં લોકોએ રોકવા નારાબાજી કરી હતી, તો આશાપુરા ચોકડી પાસે ટોળાએ અલ્પેશનાં કાફલામાં સામેલ કારના કાચ ફોડી નાખ્યા હતા.
ગણેશના સમર્થકોનો વિરોધ જોઈ અલ્પેશનો કાફલો રૂટ બદલી ખોડલધામ જવા રવાના થયો હતો. અલ્પેશના સમર્થકોનું ટોળું ગોંડલ ચોકડીએ હતું, જ્યારે ભરૂડી ટોલનાકાથી અક્ષર મંદિર, આશાપુરા ચોકડી અને કોલેજ ચોક, જેલચોક સુધીમાં ગણેશ ગોંડલના 5 હજારથી વધુ સમર્થકો ઊમટી પડ્યા હતા.
ગોંડલ ખરેખર મિરઝાપુરઃ કથીરિયા
અલ્પેશ કથીરિયાને લોકો વચ્ચે આવી સંબોધનની તક તો ન મળી, પરંતુ તેમણે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ થવો જ જોઈએ પણ અહીં હિંસા થઈ રહી છે. પોલીસની હાજરીમાં કાર પર હુમલા થયા. આ બધાએ ગોંડલને મિરઝાપુર સાબિત કર્યું.
‘હાઇકમાન્ડમાં ફરિયાદ કરીશું’
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશને જાકારો આપી જવાબ આપી દીધો છે. આ લોકો ચૂંટણી પહેલાં પાળ બાંધવા આવ્યા છે. પાટીદાર આંદોલનમાં નાપાસ થયેલા લોકો છે. આ અંગે હું ભાજપ હાઇકમાન્ડને ફરિયાદ કરીશ.