સુરતઃ ગુજરાત પોલીસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને સકંજામાં લઈ રહી છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘૂસણખોરોને ચેતવણી આપી હતી કે, ઘૂસણખોરો જાત સરેન્ડર થાઓ, નહિતર પોલીસ કડક પગલાં લેવા તૈયાર છે. સાથોસાથ ઘૂસણખોરોને આશરો આપનારાં તત્ત્વો સામે પણ કડક કાર્યવાહી કરવાની ચીમકી ગૃહમંત્રીએ ઉચ્ચારી હતી.
સુરત અને અમદાવાદ પોલીસે એક જ નાઇટમાં એક હજારથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી જઈ સમગ્ર કામગીરી અંગે માહિતી મેળવી હતી. સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી અને ગુનાઇત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું છે.