અમદાવાદઃ બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે, ‘બિહારી તુમ્હારા કામ કર દેગા’ અને એ બિહારી એટલે લલ્લા બિહારી. અનેક બાંગ્લાદેશીઓને આશરો આપતા લલ્લાના સામ્રાજ્ય પર મંગળવારે સરકારનું બુલડોઝર ફરી વળ્યું. મૂળ અજમેરનો રહેવાસી લલ્લા બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો અને ચંડોળામાં વસ્યો હતો. અહીં તેણે ધીમેધીમે ગેરકાયદે રહેઠાણ બનાવી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પોલીસે હાલ કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહંમદની ધરપકડ કરી લીધી છે. આ સાથે 8 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા કાચા શેડ ઊભા કર્યા
શરૂઆતમાં તેણે અહીં ગેરકાયદે રહેતા લોકોને ટાર્ગેટ બનાવી રૂમ-ગોડાઉન ભાડે આપવાનું શરૂ કર્યું. તેણે બાંગ્લાદેશીઓ પાસેથી નાણાં લઈ ચંડોળા તળાવનો મોટો ભાગ કવર કરી પોતાનું આખું ગામ વસાવી દીધું હતું.
બાંગ્લાદેશીઓને પેકેજ આપતો
અહીં તે પાર્કિંગ, ગોડાઉન, નાના-નાના રૂમ બનાવીને ભાડે આપતો હતો. જે બાદ બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં આવતા લોકોને કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ બનાવવા, ખોટા ભાડાકરાર અને ભારતીય નાગરિકતા અપાવવા સુધીનું એક પેકેજ તૈયાર કરી નાખ્યું હતું. જેના દ્વારા તે હાલમાં મહિને રૂ. 10થી 12 લાખની કમાણી કરી રહ્યો છે.