અમદાવાદઃ પહેલગામ હુમલા વખતે અમદાવાદના પાલડીમાં વસતા ઋષિ ભટ્ટ પણ ત્યાં પોતાના પરિવાર સાથે હાજર હતા. આતંકીઓના હુમલા સમયે તેઓ ઝિપલાઇન પર હતા અને ફાયરિંગનો અવાજ સાંભળીને તરત જ નીચે કૂદી પડ્યા હતા. જ્યાં તેઓને લેન્ડિંગ કરવાનું હતું, ત્યાં જ આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હતા. ઝિપલાઇનથી નીચે કૂદતાં જ તેઓ પત્ની અને બાળકો પાસે દોડી ગયા અને તેમને બચાવવા માટે દોડ લગાવી હતી. ભાગતાં ભાગતાં એક ખાડામાં છુપાઈને તેમણે પોતાનો અને પરિવારનો જીવ બચાવ્યો હતો.
ઋષિ ભટ્ટે કહ્યું કે, અમે લોકો ખાડામાં છુપાયા હતા ત્યારે એવું વિચારતા હતા કે અમે બચી શકીશું કે નહીં? ખાડામાં અમે ભગવાનનું નામ લેતા હતા. થોડાક સમય પછી ખાડામાંથી બહાર આવી બીજા બધા લોકો જે દિશામાં ભાગતા હતા તે જ દિશામાં અમે પણ દોડવા લાગ્યા. દોડતાં દોડતાં અમે મુખ્ય દરવાજા સુધી પહોંચ્યાં ત્યારે જોયું કે ગેટ પરના માણસોને પણ મારી દેવાયા છે. ત્યાંથી પછી અમે નીચે ગયા ત્યાં અમને આર્મીના જવાનો મળ્યા, જેઓ અમને ત્રણ-ત્રણનું ગ્રૂપ બનાવી નીચે લઈ ગયા હતા.
ઘોડેસવારી કરી ઉપર ગયા હતા, નીચે આર્મી લાવી
ઋષિ ભટ્ટે કહ્યું કે, જ્યારે અમે ઘોડેસવારી કરી ઉપર જતા હતા ત્યારે અમને કોઈ શંકા થઈ નહોતી. અમે પોતાના પરિવાર અને અન્ય પ્રવાસીઓ સાથે સફરની મજા માણી રહ્યા હતા. એક પળમાં બધું વિખેરાઈ જતાં આગળનો પ્રવાસ પણ ખોરવાઈ ગયો હતો. અમે હુમલામાંથી બચીને સલામત રીતે બહાર આવ્યા ત્યાર પછી ખબર પડી કે આ હુમલો કેટલો મોટો હતો.