ભુજઃ લોકોના હિત માટે સતત કાર્યરત્ રહી યોગદાન આપનારાં કચ્છના રાજપરિવારનાં મહારાણી પ્રીતિદેવીના 87મા જન્મદિવસે રણજિત વિલાસ પેલેસ ખાતે મુલાકાત સહ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભુજસ્થિત પ્રાગમહેલ -રાણીવાસની સુંદરતા અકબંધ રહે તે હેતુથી જિર્ણોદ્ધાર - વિકાસ માટે પૂર્ણ સંમતિ આપી રૂ. 3 કરોડની ફાળવણી કરવાની જાહેરાત તેમના દ્વારા કરાઈ હતી.
પ્રીતીદેવીએ જન્મદિવસ નિમિત્તે કચ્છવાસીઓને સંદેશ પાઠવતાં જણાવ્યું કે, આગામી ચોમાસું સારું રહે, કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધે, સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે. આની સાથે દરેક વ્યક્તિએ સ્વચ્છતા જાળવવા પ્રયાસો કરે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ.
ત્રિપુરા રાજપરિવારનાં રાજમાતા બિભુકુમારી દેવી (પ્રીતિદેવીનાં ભાભી), ઉવર્શીદેવી (દેવગઢ બારિયા), યુવરાજ મખિલેશ્વર કવરધા (છત્તીસગઢ), કચ્છ રાજકુટુંબના કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા, ઈલાબા જાડેજા, વિધિબા જાડેજા, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહ, આરતીદેવી, દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ, નીતુબાએ વિશેષ ઉપસ્થિત રહી પ્રીતિદેવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જન્મદિવસ પ્રસંગે પ્રીતિદેવીની પૂર્ણ સંમતિ સાથે રાણીવાસ પ્રાગમહેલના જિર્ણોદ્ધાર માટે રૂ. 3 કરોડની ફાળવણીની જાહેરાત કરાતાં ઉપસ્થિતોએ તેને વધાવી હતી.