માધાપર: પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માધાપરના લોહાણા પરિવારનો ચમત્કારિક બચાવ થયો. માધાપરના અશ્વિનભાઈ તેમનાં પત્ની અરુણાબહેન, પુત્રી ઉન્નતિ, દોહિત્ર પ્રહર અને અરુણાબહેનનાં બહેન કાજલબહેન 22 એપ્રિલે પહેલગામ ફરવા ગયા હતા. આ પરિવારે આતંકી હુમલાના થોડા સમય પહેલાં જ સ્થળ છોડ્યું હતું. બનાવ અંગે પરિવારનાં ઉન્નતિબહેન અને કાજલબહેન ઠક્કરે જણાવ્યું કે, જે સ્થળે હુમલો થયો ત્યાંથી તેમનો પરિવાર 10 મિનિટ પહેલાં જ રવાના થયો હતો. જેની ગણતરીની મિનિટોમાં આ વિસ્તાર ફાયરિંગ અને મરણચીસો ગૂંજી ઊઠ્યો હતો.
ઉન્નતિબહેને જણાવ્યું કે, તે સમયે મારા દીકરા પ્રહરને મેગી ખવડાવવા લઈ ગયા હતા. જો કે કુદરતનું કરવું કે, મારા પુત્રએ મેગી ખાવાની ના પાડી અને અહીંથી ચાલવાનું કહેતાં અમો ત્યાંથી નીકળી ગયાં હતાં. હજુ તો માંડ 100 મીટર જેટલા ઘોડા પર ચાલ્યા બાદ મેઇન ગેટ પાસે પહોંચ્યાં ત્યાં જ આતંકીઓએ લોકો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું, આ જોઈ અમો પણ ભાગ્યાં હતાં. આ ભાગદોડ દરમિયાન ઘોડાવાળાએ જેમ તેમ ત્રણેક કિલોમીટરનું અંતર કાપી અમને નીચે પહોંચાડ્યાં હતાં.
કાજલબહેને જણાવ્યું કે, 22 એપ્રિલે સવારે 10 વાગ્યે શ્રીનગરથી ઘોડા પર નીકળીને અમારું ગ્રૂપ લગભગ 11 વાગ્યે બૈસરન ઘાટી પહોંચ્યું હતું. ત્યાં અમે ફોટો લઈ રહ્યાં હતાં ત્યારે ઘોડાવાળા ભાઈએ બહુ સમય થયો હોવાનું કહી ઝઘડો કરતાં નાછૂટકે અમારે પરત ફરવા મજબૂર થવું પડ્યું હતું, જે કદાચ કુદરતનો અમારા માટે શુભ સંકેત હતો.